'સમર્પણ ધ્યાન' સંસ્કારના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં ચૌદ વર્ષથી સમર્પણ આશ્રમ, દાંડીમાં પિસ્તાલીસ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન કરતા આવ્યા છે. આ દિવસોમાં પૂજ્ય ગુરુદેવ સતત ધ્યાનની ઉચ્ચતમ સ્થિતિમાં રહે છે અને મનુષ્યસમાજના પ્રત્યેક વર્ગના લોકોના આધ્યાત્મિક ઉત્થાન માટે લિખિત સંદેશ મોકલતા રહે છે.
૨૦૨૦નું વર્ષ પૂજ્ય ગુરુદેવે 'બાલવર્ષ'ના રૂપમાં ઘોષિત કર્યું છે. વર્તમાન સમયમાં સ્પર્ધાપૂર્ણ, તનાવયુક્ત વાતાવરણમાં દરેક બાળકો સ્વસ્થ, સુરક્ષિત તેમજ સુસંસ્કૃત રહે, એ જ ઉદ્દેશથી પૂજ્ય ગુરુદેવે તેમના આ વર્ષના અનુષ્ઠાનના લિખિત સંદેશાઓના માધ્યમથી બાળકોને સમર્પણ ધ્યાનયોગ સંસ્કાર સાથે જોડાવા માટે પ્રેરિત કર્યાં છે. આ પુસ્તિકા તેમના આ જ સંદેશાઓનું સંકલન છે.
બાળકો સમર્પણ ધ્યાનયોગ સંસ્કાર ગ્રહણ કરીને નિયમિત ધ્યાનસાધના દ્વારા પોતાની ભીતર છુપાયેલી ઊર્જાને સક્રિય કરી પોતાનું સકારાત્મક, શક્તિશાળી સુરક્ષાકવચનું નિર્માણ કરી શકે છે અને નજીકના ભવિષ્યમાં વધારે પ્રભાવક થનારી નૈરાશ્ય જેવી ભયાનક બીમારીથી પોતાની સુરક્ષા કરી શકે છે. તેઓ સકારાત્મક, સંતુલિત, સફળ, અબોધિતાયુક્ત, સુખમય જીવન જીવીને આ જ જીવનમાં કર્મમુક્ત અવસ્થા એટલે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પુસ્તિકા નવયુગના નિર્માણમાં દિશાસૂચક અવશ્ય સાબિત થશે! આ સંદેશાઓના માધ્યમથી બાળકોની સાથે સાથે આપણે મોટા લોકો પણ અવશ્ય લાભાન્વિત થઈશું, એવો મને વિશ્વાસ છે.